Saturday, February 12, 2011

માણસ જાણે મોબાઈલ થઈ ગયો..


માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો


જરૂર હોય બસ એટલીજ
લાગણીઓ રીચાર્જ કરતો
ખરે ટાણે ઝીરો બેલેન્સ
દેખાડતો એતો થઈ ગયો.

માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો


સામે કોણ છે એ જોઈને જ
સંબંધ રીસીવ કરતો
સ્વાર્થ ના ચશ્મા પહેરીને
લાગણીઓ સ્વિચ-ઓફ કરતો
એરટેલ જો આજે,

તો કાલે વોડાફોન
એમ લાભ જોઈ દોસ્તી
બદલતો કેવો થઇ ગયો
માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો


ફાયદા વગરના સંબંધોને
બીઝી-ટોન આપતા આપતા
પ્રેમ, સ્નેહ ને માયા માટે
નોટ-રેચેબલ રહેતા રહેતા
કુટુંબના કવરેજ એરિયાની 
બહારે આજે થઇ ગયો
માનવી જાણે પોતેજ 
મોબાઈલ આજે થઈ ગયો
~~~~~~~~~~~~~~~~~~~~

Tuesday, February 1, 2011

આગે કદમ……-ઝવેરચંદ મેઘાણી

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !
યારો ! ફનાના  પંથ  પર  આગે કદમ !

આગે  કદમ : પાછા  જવા  રસ્તો  નથી ;
રોકાઓ  ના ધક્કા   પડે  છે  પીઠથી ;

રોતાં   નહિ ગાતાં  ગુલાબી  તોરથી :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

બેસી   જનારાં !   કોણ   દેશે  બેસવાં ?
  હરઘડી સળગી  રહ્યાં  યુદ્ધો  નવાં ;

આશા   ત્યજો    આરામ-સેજે   લેટવા :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આગે  કદમ !  દરિયાવની  છાતી  પરે ;
નિર્જન  રણે,   ગાઢાં  અરણ્યે,    ડુંગરે ;
પંથ  ભલે  ઘન   ઘૂઘવે   કે  લૂ   ઝરે :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

રહેશે   અધૂરી   વાટ,   ભાતાં   ખૂટશે ;
પડશે   ગળામાં   શોષ,  શક્તિ   તૂટશે ;
રસ્તે,  છતાં,  ડુકી  જવાથી   શું   થશે ?
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આવે        સાથીઓ    સાથે    છતાં,
ધિક્કાર,   બદનામી,    બૂરાઈ   વેઠતાં,
વેરીજનોનાં       વૈરનેયે        ભેટતાં :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

ક્યાં   ઊભશો ?  નીચે તપે છે પથ્થરો :
બાહેર   શીતળ,  ભીતરે  લાવા  ભર્યો ;
અંગાર  ઉપર  ફૂલડાં   શીદ   પાથરો !
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

  તો  બધાં  છેલ્લા  પછાડા  પાપના ;
થશે ખતમ જો  ભાઈ ઝાઝી વાર ના !
પૂરી   થશે   તારીય      જીવનયાતના :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

જ્વાલામુખીના    શૃંગ   ઉપર   જીવવા
તેં  આદરી પ્યારી સફર,     નૌજવાં !
માતા   તણે    મુક્તિ-કદંબે     ઝૂલવાં :
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !
યારો ! ફનાના  પંથ  પર  આગે કદમ !

-ઝવેરચંદ મેઘાણી

જય જગન્નાથ !.. -કરસનદાસ માણેક

ડુંગર ટોચે  દેવ બિરાજે, ખીણમાં  ખદબદ  માનવકીટ
પરસેવે લદબદ  ભગતો ને પ્રભુમસ્તક ઝગમગ કિરીટ
જય જગન્નાથ, જય જગન્નાથ

અવિનાશીને  અન્નકોટના  આવે  નિત અમૃત ઓડકાર
ખીણમાં  કણકણ  કાજે મરતાં  માનવજન્તુ રોજ હજાર
જય જગન્નાથ, જય જગન્નાથ

પ્રભુને નિત જરકશીના જામા પલક પલક પલટાયે ચીર
ખીણના ખેડું  આબરૂ-ઢાંકણ  આયુભર પામે  એક  લીર
જય જગન્નાથ, જય જગન્નાથ

ખીણના  ખાતર ખેડું  પૂરશે  ધરતીમાં  ધરબી કૃશ કાય
ડુંગર  દેવા  જમી પોઢશે  ઘુમ્મટની  ઘેરી  શીળી  છાંય
જય જગન્નાથ, જય જગન્નાથ

કીડીને   કણ   હાથીને   હારો  સૌને  સૌનું  જાય  મળી
જગન્નાથ   સૌને   દેનારો   અર્ધવાણી   તો  આજ ફળી
જય જગન્નાથ, જય જગન્નાથ

જગન્નાથનો  જય  પોકારો  કીડીને  કણ પણ મળી રહેશે
ડુંગરનો  હાથી  તો  હારો  દ્યો  નવ  દ્યો  પણ લઈ લેશે
જય જગન્નાથ, જય જગન્નાથ

-કરસનદાસ માણેક

ચલ મન મુંબઈનગરી...-નિરંજન ભગત

                ચલ મન મુંબઈનગરી,
                જોવા પુચ્છ વિનાની મગરી !

                જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
                વગર પિછાને મિત્રો જેવાં;
                નહીં પેટી નહીં બિસ્ત્રો લેવાં,
                આ તીરથની જાત્રા છે ના અઘરી !

                ચલ મન મુંબઈનગરી

                સિમેન્ટ, કોંક્રીટ, કાચ, શિલા,
                તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
                ઈન્દ્રજાળની ભૂલવે લીલા,
                એવી આ સૌ સ્વર્ગતણી સામગ્રી !

                ચલ મન મુંબઈનગરી

                રસ્તે રસ્તે ઊગે ઘાસ,
                કે પરવાળા બાંધે વાસ,
                તે પ્હેલાં જોવાની આશ,
                હોય તને તો કાળ રહ્યો છે કગરી !

                ચલ મન મુંબઈનગરી

            -નિરંજન ભગત

હું તો પૂછું કે…-સુન્દરમ્

                હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી
                આ ટીલડી કોણે જડી ?
                વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં
                ચકમકતી કીકીઓ કોણે મઢી ?

                હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પોં'ચે
                ત્યાં કૂંપળો કોણે કરી ?
                વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી
                મીઠી ધાર કોણે ભરી ?

                હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની
                ઝૂંપડી કોણે મઢી ?
                વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી
                ભમરડી કોણે કરી ?

                હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી
                આંખ મારી કોણે કરી ?
                વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ
                આભલાની ચૂંદડી કોણે કરી ?

            -સુન્દરમ્

નિર્દોષ પંખીને… કલાપી

(મંદાક્રાંતા)

તે  પંખીની  ઉપર   પથરો  ફેકતાં  ફેકી દીધો
છૂટયો તે, ને અરરર પડી ફાળ હૈયા મહીં તો
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં
નીચે આવ્યું  તરુ  ઉપરથી પાંખ ઢીલી થતાંમાં

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊડી શક્યું ના
ક્યાંથી ઊઠે ? જખમ  દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે ? હ્રદય કુમળું  છેક તેનું  અહોહો

આહા! કિન્તુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ
મૃત્યુ થાશે, જીવ ઊગરશે, કોણ જાણી શકે એ
જીવ્યું,આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને
  વાડીનાં  મધુર  ફળને  ચાખવાને   ફરીને

રે રે! કિન્તુ ફરી કદી  હવે પાસ મારી ન આવે
આવે તોયે  ડરી ડરી  અને  ઈચ્છતું  ઊડવાને
રે રે! શ્રદ્ધા ગત થઈ  પછી કોઈ કાળે ન આવે
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે

કલાપી

સૂરજ, ધીમા તપો…- ઝવેરચંદ મેઘાણી

                મારી મેંદીનો રંગ ઊડી જાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

મારો કંકુનો ચાંદલો ચોળાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

મારી વેણી લાખેણી કરમાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

મારાં કાજળ નેણેથી ઝરી જાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

મારી ચૂડી અણમોલી તરડાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

મારે સેંથેથી હીંગળો રેળાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

મારી પાની સુંવાળી બળી જાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

મારા કેમે નો પંથે પૂરા થાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

જેને શોધું તે દૂર સરી જાય રે
                સૂરજ ! ધીમા તપો, ધીમા તપો

- ઝવેરચંદ મેઘાણી

માધવ ક્યાંય નથી મધુવનમાં…- હરીન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કાલિન્દીના  જલ  પર  ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી

લહર વમળને કહે
વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી

નંદ કહે જશુમતીને
માતા વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

શિર પર ગોરસ મટુકી
મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી

કાજળ કહે આંખોને
આંખો વાત વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

- હરીન્દ્ર દવે

નવ કરશો કોઈ શોક…-નર્મદ

નવ કરશો કોઈ શોક રસિકડાં
નવ    કરશો    કોઈ    શોક

યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી

મર્મ ન સમજે બકે શંખ શઠ વાંકું ભણે બહુ પણથી
એક પીડમાં બીજી ચ્હીડથી જળશે જીવ અગનથી

હતો  દુખિયો  થયો  સુખિયો  સમજો છૂટ્યો રણથી
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી

હરિકૃપાથી મમ લેખ ચિત્રથી  જીવતો છઉં હું દમથી
વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી

જુદાઈ દુખ તે જ નથીજ જવાનું જાયે માત્ર મરણથી
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુખ વધે જ રુદનથી

જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી
મને  વિસારી રામ સમરજો  સુખી થશો તે લતથી

-નર્મદ

આતમ વીંઝે પાંખ…-ઝવેરચંદ મેઘાણી

                ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
                અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ

                આજ  અણદીઠ  ભૂમિ તણે  કાંઠડે
                વિશ્વભરના યુવાનોની  આંખો અડે
                પંથ જાણ્યા વિના  પ્રાણ ઘોડે ચડે
                ગરુડ શી પાંખ આતમ વિષે ઉઘડે

                કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે
                રોકણહારું  કોણ છે ? કોનાં નેન રડે

                કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ
                યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ
                કેસરી  વીરના   કોડ   હરશો નહિ
                મત્ત યૌવન તણી ગોત  કરશો નહિ

                રગરગિયાં-રડિયાં  ઘણું, પડિયાં સહુને પાય
                લાતો ખાધી, લથડિયાં એ દિન ચાલ્યા જાય

                લાત ખાવા તણાં દિન હવે ચાલિયાં
                દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં
                માગવી આજ મેલી  અવરની  દયા
                વિશ્વ સમરાંગણે તરુણદિન  આવિયા

                અણદીઠને દેખવા,  અણતગ લેવા તાગ
                સતની સીમો લોપવા, જોબન માંડે જાગ

                લોપવી  સીમ,  અણદીઠને   દેખવું
                તાગવો અતલ દરિયાવ-તળિયે જવું
                ઘૂમવા દિગ્દિગંતો,  શૂળી પર  સૂવું
                આજ યૌવન ચહે  એહ  વિધ  જીવવું

            -ઝવેરચંદ મેઘાણી

આજનું શિક્ષણ…-કૃષ્ણ દવે

  સઘળાં  ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મન  ફાવે ત્યાં માછલીઓને  આમ નહીં તરવાનું
સ્વીમિંગપૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને  સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું
ડોનેશનમાં  આખ્ખેઆખ્ખું  ચોમાસું  લેવાનું

એક નહીં પણ મારી ચાલે  છે અઠ્ઠાવન સ્કૂલો
'આઉટડેટ' થયેલો વડલો મારી કાઢે છે ભૂલો

-કૃષ્ણ દવે

વનચંપો…-બાલમુકુંદ દવે

                વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
                ઊગ્યો વનચંપાનો છોડ

                વસન્ત આવ્યો વરણાગી રે, ઝૂલે કેસરિયા ઝૂલ
                બેઠા વનચંપાને ફૂલ

                જલપાનેતર લહેરિયા રે, કમલિની મલકાય
                ભમરો ભૂલીભૂલી ભરમાય

                વનચંપાની પાંદડી રે, ખીલે ને કરમાય
                ભમરો આવે  ઊડી જાય

                રાતે ખીલે પોયણી રે, પોયણી પૂછે વાત
                ચંપા, જીવને  શા ઉચાટ

                મત પૂછ તું પોયણી રે, સૂની ઉરની વાટ
                મનના મન જાણે ઉચાટ

                ત્રણે ગુણની તરવેણી રે, રૂપ રંગ ને વાસ
                તો યે ભ્રમર ન આવે પાસ

                નભથી ચૂએ ચાંદની રે, પોયણી ઢાળે નીર
                રોતાં તલાવડીનાં તીર

                વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
                એવો વનચંપાનો છોડ

            -બાલમુકુંદ દવે

કન્યા વિદાય…-અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો  જાન  ઊઘલતી   મ્હાલે
કેસરિયાળો   સાફો   ઘરનું  ફળિયું   લઈને    ચાલે

પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી   બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો આખો  કોલાહલમાં ખૂંપે
શૈશવથી  ચીતરેલી  શેરી  સૂનકારમાં ડૂબે

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી  પાસે  ઊભો  રહીને  અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો  જાન  ઊઘલતી   મ્હાલે
કેસરિયાળો   સાફો   ઘરનું  ફળિયું   લઈને    ચાલે

-અનિલ જોશી