Monday, January 31, 2011

અમે બરફનાં પંખી રે…- અનિલ જોશી

અમે બરફનાં પંખી રેભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યાં !
અમે બરફનાં પંખી રેભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલાંસૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં !
અમે બરફનાં પંખી રેભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં.

- અનિલ જોશી

રહેવા દે આ સંહાર…-કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !

-કલાપી

હજારો વર્ષની જૂની…-ઝવેરચંદ મેઘાણી

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કેજે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રેજે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું -
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું,જો,સૈન્ય અમ તત્પર ઊભેલું!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી - આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભ ઊંચા આપણા આશામિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

-ઝવેરચંદ મેઘાણી

પછી શામળિયોજી બોલિયા-પ્રેમાનંદ

પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે

આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે
હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે

અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે
હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે

આપણે સુતા એક સાથરે તને સાંભરે રે
હાજી સુખદુખની કરતા વાત મને કેમ વિસરે રે

પાછલી રાતના જાગતા તને સાંભરે રે
હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે

ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે
હાજી જાચવા કોઈ શ્રેષ્ઠ મને કેમ વિસરે રે

કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે
કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે

શરીર આપણાં ઉકળી ગયાં તને સાંભરે રે
હાજી લાગ્યો સૂરજનો તાપ મને કેમ વિસરે રે

ખંભે કુહાડા ધરિયા તને સાંભરે રે
ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે

આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે
હાજી ફાડ્યું મોટું ઝાડ મને કેમ વિસરે રે

ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે
હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે

શીતળ વાયુ વાયો ઘણો તને સાંભરે રે
હાજી ટાઢે થરથરે દેહ મને કેમ વિસરે રે

નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભરે રે
હાજી ઘન વરસ્યો મૂશળ ધાર મને કેમ વિસરે રે

એકે દિશા સૂઝે નહિ તને સાંભરે રે
થાતા વીજ તણાં ચમકાર મને કેમ વિસરે રે

ગુરુજી નીસર્યાં ખોળવા તને સાંભરે રે
ગોરાણીને આપ્યો ઠપકો અપાર મને કેમ વિસરે રે

આપણને છાતિયે ચાંપિયાં તને સાંભરે રે
હાજી તેડીને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે

ગોરાણી ગાય દોતાં હતા તને સાંભરે રે
તમને દાણ માગવાની ટેવ મને કેમ વિસરે રે

મેં નિશાળેથી હાથ લંબાવિયો તને સાંભરે રે
દીધી ગોરાણીએ દોણી તતખેવ મને કેમ વિસરે રે

ગોરાણીને નિપજ્યું જ્ઞાન તને સાંભરે રે
તમને જાણ્યા જગદાધાર મને કેમ વિસરે રે

-પ્રેમાનંદ

પાર્થને કહો… મહાકવિ નાનાલાલ

પાર્થને  કહો  ચડાવે  બાણ
                હવે તો યુદ્ધ  એ જ કલ્યાણ

                કહો  કુંતાની છે    આણ
                પાર્થને  કહો  ચડાવે  બાણ

                ભીખ્યાં ભટક્યાં વિષ્ટિ વિનવણી
                કીધાં સુજનનાં કર્મ
                આર્યસુજનતા દૈન્ય ગણી તો
                યુદ્ધ એ જ યુગધર્મ

                સજીવન થાય પડ્યાયે પ્હાણ
                પાર્થને   કહો  ચડાવે  બાણ

                દ્રૌપદીની હજી વેણ છૂટી છે
                રાજસભાના બોલ
                રણનોતરાંના ઉત્તર દેજો
                રણધીરને રણઢોલ

                પાર્થની  પ્રત્યંચાને વાણ
                પાર્થને કહો ચડાવે બાણ

                મેહુલો બોલે વાયુ હુંકારે
                ત્યમ તલપો સિંહબાળ
                યુગપલટાના પદપડછન્દે
                ગજવો ઘોર ત્રિકાળ

                સજો શિર વીર હવે શિરત્રાણ
                પાર્થને  કહો   ચડાવે  બાણ

                નૃલોક જોશે કાળ નીરખશે
                રણરમતો મુજ વંશ
                સત શીલ ને ધર્મયજ્ઞમાં
                હજો વિશ્વવિધ્વંસ

                ઊગે જો નભ નવયુગનો ભાણ
                પાર્થને   કહો   ચડાવે   બાણ

                વિધિનાં  એ જ મહાનિર્માણ
                પાર્થને  કહો  ચડાવે  બાણ

મહાકવિ નાનાલાલ

આતમને ઓઝલમાં રાખ મા…- ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા

આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
- ઇન્દુલાલ ગાંધી

ચિત્ત તું શીદને ચિંતા ધરે….-દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે..

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું  આવરણ  કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

તું  અંતર  ઉદ્વેગ  ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો  જંત્ર  બજાવે  જંત્રી  તેવો  સ્વર નીસરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

થનાર વસ્તુ  થયા કરે, જ્યમ  શ્રીફળ પાણી  ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

જેનું  જેટલું  જે  જ્યમ  કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઇ તું મરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું  અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ  ભરોસો  રાધાવરનો, દયા  શીદને  ડરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

-દયારામ

રંગ રંગ વાદળિયાં…-'સુંદરમ્'

હાં રે અમે ગ્યાં'તાં, હો રંગના ઓવારે, કે તેજના ફુવારે
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડ્યાં; હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં, હો મહેલના મિનારે,પંખીના ઉતારે
ડુંગરાની ધારે,કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે નાહ્યાં, હો રંગના ઓવારે,કે તેજના ફુવારે
કુંકુમના ક્યારે,કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે પોઢ્યાં, છલકતી છોળે, દરિયાને હિંડોળે
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે જાગ્યાં, ગુલાલ ભરી ગાલે,ચંદન ધરી ભાલે
રંગાયાં ગુલાલે,કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે નાચ્યાં, તારાના તરંગે, રઢિયાળા રંગે
આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા

હાં રે અમે આવ્યાં, હો રંગ રંગ અંગે,અનંત રૂપરંગે
તમારે ઉછંગે,કે રંગ રંગ વાદળિયાં

-'સુંદરમ્'

ગુજરાત મોરી મોરી રે...-ઉમાશંકર જોશી

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે

મળતાં મળી  ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી
રેવાનાં અમૃતની  મર્મર ધવરાવતી
સમંદરનાં મોતીની છોળે નવરાવતી
ગુજરાત     મોરી      મોરી      રે


ગિરનારી  ટૂંકો  ને  ગઢ રે ઈડરિયા
પાવાને   ટોડલે  મા’કાળી    મૈયા
ડગલે  ને  ડુંગરે  ભર  દેતી   હૈયાં
ગુજરાત     મોરી      મોરી      રે


આંખની  અમીમીટ  ઊમટે  ચરોતરે
ચોરવાડ વાડીએ  છાતી  શી  ઊભરે
હૈયાનાં  હીર પાઈ  હેતભરી  નીતરે
ગુજરાત     મોરી      મોરી      રે


કોયલ  ને  મોરને  મેઘમીઠે  બોલડે
નમણી પનિહારીને  ભીને  અંબોડલે
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે
ગુજરાત     મોરી      મોરી      રે


નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી
ગાંધીની  ગુજરાત  કપરી  જીરવવી
એકવાર ગાઈ  કે  કેમ કરી  ભૂલવી
ગુજરાત     મોરી      મોરી      રે


ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે
મળતાં મળી  ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત     મોરી      મોરી      રે


-ઉમાશંકર જોશી

ઉઘાડી રાખજો બારી.. -પ્રભાશંકર પટ્ટણી

દુખી  કે દર્દી  કે  કોઈ,  ભૂલેલા   માર્ગવાળાને
વિસામો આપવા ઘરની,  ઉઘાડી  રાખજો બારી


ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુખને દળવા
તમારા  કર્ણ  નેત્રોની,   ઉઘાડી  રાખજો  બારી


પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા
તમારા   શુદ્ધ  હ્રદયોની,  ઉઘાડી  રાખજો  બારી


થયેલા   દુષ્ટ   કર્મોના,  છૂટા   જંજીરથી  થાવા
જરા  સત્કર્મની  નાની,   ઉઘાડી  રાખજો  બારી


 -પ્રભાશંકર પટ્ટણી

બોલ મા, બોલ મા..મીરાબાઈ

બોલ મા, બોલ મા, બોલ મા રે
 રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે


 સાકર શેરડીનો સ્વાદ તજીને
 કડવો તે લીમડો ઘોળ મા રે
 રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે


 ચાંદા સૂરજનું તેજ તજીને
 આગીયા સંગ પ્રીત જોડ મા રે
 રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે


 હીરા, માણેક, ઝવેર તજીને
 કથીર સંગાથે મણિ તોળ મા રે
 રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે


 બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
 શરીર આપ્યું સમતોલમાં રે
 રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે


 બોલ મા, બોલ મા, બોલ મા રે
 રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે


 -મીરાંબાઈ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો..-દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો
 રડું છેક તો રાખતું કોણ છાનો
 મને દુખી દેખી દુખી કોણ થાતું
 મહા હેતવાળી દયાળી જ મા તું


 સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
 પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
 મને સુખ માટે કટુ કોણ ખાતું
 મહા હેતવાળી દયાળી જ મા તું


 લઈ છાતી સાથે બચી કોણ લેતું
 તજી તાજું ખાજું મને કોણ દેતું
 મને કોણ મીઠા મુખે ગીત ગાતું
 મહા હેતવાળી દયાળી જ મા તું


 પડું કે ખડું તો ખમા આણી વાણી
 પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
 પછી કોણ પોતાતણું દૂધ પાતું
 મહા હેતવાળી દયાળી જ મા તું


       -દલપતરામ

વિનાશકાળે વિપરીત બુદ્ધિ...-બુલાખીરામ

સીતા સમાણી સતી કોણ શાણી
પતિ-પ્રતિજ્ઞાય   સદા  પ્રમાણી
કુરંગ  હણવા મતિ  ભ્રષ્ટ  કીધી
વિનાશકાળે    વિપરીત    બુદ્ધિ

કેવા  હતા   કૌરવ  કાળજ્ઞાની
કુસંપમાં  પાછી  કરી ન પાની
કપાઈ  મૂઆ દ્વેષ સહિત ક્રોધી
વિનાશકાળે   વિપરીત   બુદ્ધિ

નિપુણતા  ન્યાય  વિષે  ધરાવી
નળે  સુકીર્તિ  જગતમાં  જમાવી
ગુમાવી  ગાદી   દ્યૂતને  વળુંધી
વિનાશકાળે    વિપરીત    બુદ્ધિ

યદુપુરી  યાદવ  યાદ  આણો
સુરા વિષે જીવ ભલો  ભરાણો
મૂઆ  મૂકી  સર્વ  શરીર  શુદ્ધિ
વિનાશકાળે   વિપરીત   બુદ્ધિ

રૂડો  હતો  રાવણ  શાસ્ત્રવેત્તા
નવે   ગ્રહો   નિકટમાં  રહેતા
હરી  સીતા  કષ્ટ લહ્યું  કુબુદ્ધિ
વિનાશકાળે   વિપરીત  બુદ્ધિ


-બુલાખીરામ

આંધળી માનો કાગળ...-ઈન્દુલાલ ગાંધી

અમૃત  ભરેલું  અંતર  જેનું,  સાગર જેવડું  સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ ગામે;
ગીગુભાઈ નાગજી નામે.


લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા'ડા ?


ભાણાનો ભાણિયો લખે છે કે ગીગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું  ખેંચવા  રાતે  હોટલમાં  ખાય,
નિત નવાં લૂગડાં પે'રે
પાણી જેમ  પૈસા વેરે.


હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના  દોકડા  આપણે   ક્યાંથી  કાઢશું  બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઈ જ છે મૂડી.


ખોરડું  વેચ્યું  ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું  ભાણું,
મારે નિત જારનું ખાણું.


દેખતી તે દિ' દળણાં-પાણી  કરતી  ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા,
મારે આંહીં અંધારાં પીવાં.


લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે  નથી  જીવવા  આરો,
આવ્યો ભીખ માગવા વારો.
 
-ઈન્દુલાલ ગાંધી

વરસાદ ભીંજવે..-રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન  વરસાદ ભીંજવે


ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું  ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું  રે વરસાદ ભીંજવે


નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા   ઉભા  ફાટ્યા    રે વરસાદ ભીંજવે


ઘરમાંથી  તોતિંગ  ઓરડા  ફાળ મારતા  છૂટ્યા  રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે


પગના અંતરિયાળપણાને  ફળિયામાં ધક્કેલો  રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે


બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર  નાગ  જીવને  અનરાધારે  કરડે રે વરસાદ ભીંજવે


અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને  ભીંજવે તું  તને વરસાદ ભીંજવે


થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને કોનાં  ભાનસાન,  વરસાદ ભીંજવે


-રમેશ પારેખ

પ્રાણિયા ભજી લેને કિરતાર..- ભોજો ભગત

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


- ભોજો ભગત

મારા કેસરભીના કંથ...કવિ નાનાલાલ

મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ

 આભ ધ્રૂજે ધરણી ધમધમે રાજ
 ઘેરા ઘોરે શંખનાદ
 દુંદુભિ બોલે મહારાજના હો
 સામંતના જયવાદ
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..


 આંગણ રણધ્વજ રોપિયા હો
 કુંજર ડોલે દ્વાર
 બંદીજનોની બિરદાવલી હો
 ગાજે ગઢ મોઝાર
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..

 પુર પડે દેશ ડૂલતા હો
 ડગમગતી મહોલાત
 કીર્તિ કેરી કારમી રાજ
 એક અખંડિત ભાત
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..

 નાથ ચડો રણઘોડલે રે
 હું ઘેર રહી ગૂંથીશ
 બખ્તર વજ્રની સાંકળી હો
 ભરરણમાં પાઠવીશ
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..

 સંગ લેશો તો સાજ સજું હો
 માથે ધરું રણમોડ
 ખડગને માંડવ ખેલવાં
 મારે રણલીલાના કોડ
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..

 આવન્તાં ઝાલીશ બાણને હો
 ઢાલે વાળીશ ઘાવ
 ઢાલ ફૂટ્યે મારા ઉરમાં રાજ
 ઝીલીશ દુશ્મન દાવ
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..

 એક વાટ રણવાસની રે
 બીજી સિંહાસન વાટ
 ત્રીજી વાટ શોણિતની સરિતે
 હો શૂરના સ્નાનનો ઘાટ
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..

 જય કલગીએ વળજો  પ્રીતમ
 ભીંજશું ફાગે ચીર
 નહીં તો વીરને આશ્રમ મળશું
 હો! સુરગંગાને તીર
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..

 રાજમુગુટ રણરાજવી હો
 રણઘેલા રણધીર
 અધીરો ઘોડીલો થનગને નાથ
 વાધો રણે મહાવીર
 મારા કેસરભીના કંથ હો
 સિધાવોજી રણવાટ..


 -મહાકવિ નાનાલાલ

કાળ કેરી કેડીએ...- નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !


ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !


પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !


- નિરંજન ભગત

શ્યામ રંગ સમીપે ન જાવું...-દયારામ

શ્યામ   રંગ  સમીપે   ન  જાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું
સર્વમાં    કપટ    હશે     આવું
કસ્તૂરી  કેરી  બિંદી તો  કરું નહીં
કાજળ    ના   આંખમાં   અંજાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું


કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને
કાગવાણી   શકુનમાં   ન   લાવું
નીલાંબર  કાળી  કંચૂકી ન પહેરું
જમનાનાં    નીરમાં   ન   ન્હાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું


મરકતમણિ  ને  મેઘ દ્રષ્ટે  ના જોવા
જાંબુ     વંત્યાક      ના       ખાવું
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો
મન કહે  જે   પલક    ના   નિભાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

-દયારામ

કેવડિયાનો કાંટો અમને...- રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.


બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.


તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.


- રાજેન્દ્ર શાહ

તરણા ઓથે ડુંગર...- ધીરો ભગત

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી


સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ ,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી
તરણા ઓથે ડુંગર રે….


કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુધ્ધિ થાકી રહે તહીં
તરણા ઓથે ડુંગર રે….


મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ,
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહીં કો ઠાલો રે, એક અણુમાત્ર કહીં
તરણા ઓથે ડુંગર રે….


સદ્ ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે? પોતે પોતાની પાસ;
દાસ ‘ધીરો’ કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હિ તું હિ
તરણા ઓથે ડુંગર રે….


- ધીરો ભગત

હરિનો મારગ છે શૂરાનો...- પ્રીતમદાસ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને


સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને


મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને


પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને


માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને


રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને


- પ્રીતમદાસ

આ નભ ઝૂક્યું તે કાનજી...- પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી
ને  ચાંદની  તે  રાધા રે


આ સરવર જલ તે કાનજી
ને  પોયણી  તે   રાધા રે


આ બાગ ખીલ્યો તે કાનજી
ને  લ્હેરી જતી  તે રાધા રે


આ પરવત-શિખર કાનજી
ને  કેડી ચડે  તે  રાધા રે


આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને  પગલી પડે  તે રાધા રે


આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે


આ દીપ જલે તે કાનજી
ને આરતી  તે  રાધા રે


આ  લોચન મારા કાનજી
ને નજરું જુએ તે રાધા રે


- પ્રિયકાંત મણિયાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં  ગુર્જરીની મહોલાત


ઉત્તર  દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ  જ્યાં ગુર્જરના વાસ
સૂર્ય  તણાં  કિરણો દોડે ત્યાં  સૂર્ય તણો જ પ્રકાશ
જેની ઉષા હસે હેલાતી  તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


ગુર્જર  વાણી  ગુર્જર  લહાણી    ગુર્જર  શાણી  રીત
જંગલમાં  પણ  મંગલ  કરતી  ગુર્જર  ઉદ્યમ  પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


કૃષ્ણ  દયાનંદ દાદા  કેરી  પુણ્ય  વિરલ  રસ  ભોમ
ખંડ  ખંડ  જઈ  ઝૂઝે   ગર્વે   કોણ  જાત  ને   કોમ
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


અણકીધાં  કરવાના  કોડે   અધૂરાં   પૂરાં  થાય
સ્નેહ  શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય

જય જય જન્મ સફળ ગુજરાતી
જય જય ધન્ય અદલ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


- અરદેશર ફરામજી ખબરદાર

એક જ દે ચિનગારી ...- હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી


ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...


ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...


ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...


- હરિહર ભટ્ટ

ધીમે ધીમે ઢાળ ઊતરતી...રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી  લીલોતરીમાં  ખૂલ્લાં  ખેતર  તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર ટેરવાં ભરી પીધાનું યાદ


ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું  દોડી  જતું, પાંદડાં  ખરતાં
સમળીના  પડછાયા છૂટી  ફાળ  ઘાસમાં  ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે જિયલ ઝૂલા ઝૂલ્યાનું યાદ


ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ  વીંઝતું  પાંખ  વીંઝતું  હવા જેવડું થાય
સવારપંખીનો  પડછાયો  ઠીબ  વિશે  તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ


ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
- રમેશ પારેખ

ભોમિયા વિના મારે...-ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.


સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી..


એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.


આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.


-ઉમાશંકર જોશી

ગમતાનો કરીએ ગુલાલ..-મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ..


આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય
આ તો વરસે ગગનભરી વ્હાલ
ગમતાંનો કરીએ ગુલાલ..


ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી
આવે તે આપ કરી પળમાં પસંદગી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને
વેર્યે ફોરમનો ફાલ
ગમતાંનો કરીએ ગુલાલ..


આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં
રણકી ઊઠે કરતાલ
ગમતાંનો કરીએ ગુલાલ..


ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ


-મકરંદ દવે

મંગલ મંદિર ખોલો...- નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !


જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !


તિમિર ગયું  ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !


નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !


દિવ્ય-તૃષાતુર  આવ્યો  બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !


- નરસિંહરાવ દિવેટિયા

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી... -ત્રિ. ગૌ. વ્યાસ

પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે
 મધ્યમાં એશિયાની અટારી
 હિંદ દેવી તણી કમર પર ચમકતી
 દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
 પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
 ગર્જતી જલનિધિગાનસરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 ઉદરમાં અરુણને ધારતી ઊજળી
 પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય
 પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર
 નિત્ય સંધ્યા રચે કનકહમ્ય
 અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી
 બલવતી શરીરસંતાપહરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે
 માનવી મીઠડાં પ્રેમભીનાં
 પાણી જ્યાં આકરા મરદની મૂછના
 લલિત લાવણ્ય જ્યાં સુંદરીનાં
 સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી
 ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી


 હ્રદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં
 હબકીને કદી ના હામ તજતાં
 નાકને કારણે શૂર નરનારીઓ
 હર્ષથી મૃત્યુના સાજ સજતાં
 શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં
 પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 ભગર ભેંશો વડી હાથણી જેવડી
 ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી
 ઘોડીઓ માણકી તીખી તાજણ સમી
 જાતવંતી ઘણી જ્યાં નીપજતી
 યુદ્ધમાં અડગ ત્રમજુટમાં ના હટે
 વેગવંતી દીસે ચપળ હરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 કાઠી ખસીયા વસ્યા શૂર રજપૂત જ્યાં
 મેર આહિર ગોહિલ વંકા
 ખડગના ખેલની રંગભૂમિ મહીં
 જંગના વાજતા નિત્ય ડંકા
 સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે
 ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 યુદ્ધ ઘમસાણ જ્યાં કૈંક જામ્યાં અહા
 મરદના વચનની ટેક માટે
 નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં
 જન્મભૂમિ તસુ એક સાટે
 શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ
 ક્ષત્રિવટ ઊજળી એકવરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 વૈર વેંડારવા કારમાં તો ય જ્યાં
 અભય વીરવદન પર શૌર્ય હસતાં
 વૈરી સ્વાગતે ધન્ય જ્યાં માનવી
 આપવા શિર સન્મુખ ધસતાં
 મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા
 મરદને જ્યાં કરી પ્રેમ પરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 વિકટ ગિરિ ગવહરે વાઘ સિંહો રહે
 ગજવતા જંગલોને હૂંકારે
 માનભંગે થઈ મરણિયા
 આથડે બહારવટિયા ભડવીર ભારે
 શૌર્યગીતો અહા ગુંજતી એહના
 ઘૂઘવે ઘેલી સરિતા ડુંગરની
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 કડક ધરતી જહાં ખડકની આકરી
 ડુંગરા ડુંગરી ને કરાડો
 મુકુટ શા મંદિરો ગાજતાં શિર ધરી
 ગજવતા ગગન ઊંચા પહાડો
 ગીર ગોરંભતી ગાય જ્યાં નેસમાં
 ખડકતી દૂધની પિયૂષઝરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 ધાવીને દૂધ મજબુત ધરણી તણાં
 પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
 મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
 કોયલો ગાન ગાતી ન થાકે
 લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા
 લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 આવી શત્રુંજયે જાય ગિરનાર પરે
 અનખ પંખી સમો સૂર્ય વ્યોમે
 ગહનતલ ઘુમટથી ઝળકતાં એમના
 પિચ્છ વેરાય અગણિત ભોમે
 પશ્ચિમે અસ્તમાં શોભતી ક્ષિતિજ શી
 ચાંદલો ચોડીને ભાલ ધરતી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 દ્વારિકા કનકની દુર્ગપુરી જહાં
 કૃષ્ણની કીર્તિદીપ્તિ પ્રકાશે
 યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન જ્યાં
 સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે
 સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને
 શીખવી ભક્તિ નિષ્કામ-કરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

 ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં
 સંપદા પામીયો જ્યાં સુદામો
 વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા
 સતી અને સંતનો જ્યાં વિસામો
 ગામે ગામ ઊભા સ્થંભ પોકારતા
 શૂરના ગુણની ગાથા વરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી


 ભક્તિ ને શૌર્યને રંગે રોળાઈ જ્યાં
 ગુર્જરી ગુણગંભીર ગીરા
 ગીતસાગર મહીં મસ્ત એ મલપતી
 અલપતી મધુર આલાપ ધીરા
 ભાટ ને ચારણો ભભકતા કવિત જ્યાં
 પંચમો વેદ દુહો સુચરણી
 ભારતી ભોમની વંદું તનયા વડી
 ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી


 -ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ