Showing posts with label અનામી. Show all posts
Showing posts with label અનામી. Show all posts

Tuesday, February 1, 2011

જય જગન્નાથ !.. -કરસનદાસ માણેક

ડુંગર ટોચે  દેવ બિરાજે, ખીણમાં  ખદબદ  માનવકીટ
પરસેવે લદબદ  ભગતો ને પ્રભુમસ્તક ઝગમગ કિરીટ
જય જગન્નાથ, જય જગન્નાથ

અવિનાશીને  અન્નકોટના  આવે  નિત અમૃત ઓડકાર
ખીણમાં  કણકણ  કાજે મરતાં  માનવજન્તુ રોજ હજાર
જય જગન્નાથ, જય જગન્નાથ

પ્રભુને નિત જરકશીના જામા પલક પલક પલટાયે ચીર
ખીણના ખેડું  આબરૂ-ઢાંકણ  આયુભર પામે  એક  લીર
જય જગન્નાથ, જય જગન્નાથ

ખીણના  ખાતર ખેડું  પૂરશે  ધરતીમાં  ધરબી કૃશ કાય
ડુંગર  દેવા  જમી પોઢશે  ઘુમ્મટની  ઘેરી  શીળી  છાંય
જય જગન્નાથ, જય જગન્નાથ

કીડીને   કણ   હાથીને   હારો  સૌને  સૌનું  જાય  મળી
જગન્નાથ   સૌને   દેનારો   અર્ધવાણી   તો  આજ ફળી
જય જગન્નાથ, જય જગન્નાથ

જગન્નાથનો  જય  પોકારો  કીડીને  કણ પણ મળી રહેશે
ડુંગરનો  હાથી  તો  હારો  દ્યો  નવ  દ્યો  પણ લઈ લેશે
જય જગન્નાથ, જય જગન્નાથ

-કરસનદાસ માણેક

વનચંપો…-બાલમુકુંદ દવે

                વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
                ઊગ્યો વનચંપાનો છોડ

                વસન્ત આવ્યો વરણાગી રે, ઝૂલે કેસરિયા ઝૂલ
                બેઠા વનચંપાને ફૂલ

                જલપાનેતર લહેરિયા રે, કમલિની મલકાય
                ભમરો ભૂલીભૂલી ભરમાય

                વનચંપાની પાંદડી રે, ખીલે ને કરમાય
                ભમરો આવે  ઊડી જાય

                રાતે ખીલે પોયણી રે, પોયણી પૂછે વાત
                ચંપા, જીવને  શા ઉચાટ

                મત પૂછ તું પોયણી રે, સૂની ઉરની વાટ
                મનના મન જાણે ઉચાટ

                ત્રણે ગુણની તરવેણી રે, રૂપ રંગ ને વાસ
                તો યે ભ્રમર ન આવે પાસ

                નભથી ચૂએ ચાંદની રે, પોયણી ઢાળે નીર
                રોતાં તલાવડીનાં તીર

                વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
                એવો વનચંપાનો છોડ

            -બાલમુકુંદ દવે

રાધાનું નામ….-સુરેશ દલાલ

રાધાનું  નામ  તમે વાંસળીના  સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ !
સાંજ  ને  સવાર  નિત  નિંદા  કરે છે ઘેલું
ઘેલું રે  ગોકુળિયું  ગામ !

વણગૂંથ્યા  કેશ  ને  અણઆંજી  આંખડી
                                કે  ખાલી બેડાંની કરે છે  વાત
લોકો  કરે   છે  શાને  દિવસ  ને   રાત
                                એક   મારા  મોહનની  પંચાત

વળી વળી નીરખે છે કુંજગલી:પૂછે છે,કેમ અલી ક્યાં ગઈ'તી આમ?
રાધાનું  નામ  તમે  વાંસળીના  સૂર મહીં  વ્હેતું ના મેલો ઘનશ્યામ !

કોણે   મૂક્યું   રે  તારે  અંબોડે   ફૂલ?
                                એની  પૂછી  પૂછીને  લિએ  ગંધ
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ
                                જોકે   હોઠોની   પાંખડીઓ  બંધ

મારે  મોંએથી   ચહે  સાંભળવા  સાહેલી
                    માધવનું   મધમીઠું  નામ
રાધાનું  નામ  તમે  વાંસળીના  સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ !


-સુરેશ દલાલ

ભવિષ્યવેત્તા…-ચં. ચી. મહેતા

 (ઈન્દ્રવજ્રા)

કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વહેલા સહુ પાઠ બાકી
તારી હથેળી અહીં લાવ સાચું, હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચું

કેવી  પડી છે  તુજ હસ્તરેખા, જાણે શું લાખે નવ હોય લેખાં
પૈસા પૂછે છે? ધનની ન ખામી, જાણે અહોહો તું કુબેરસ્વામી

છે ચક્રચિન્હો   તુજ  અંગુલિમાં,  જાણે   પુરાયા  ફૂટતી  કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિન્હ ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં

વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને  કીર્તિ એવી કુળહીરલાને
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ તણી તું ટાળ
 
ને હોય ના વાહનખોટ ડેલે, બંધાય ઘોડા વળી  ત્યાં તબેલે
ડોલે સદા યે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં વધુ કાંઈ આથી

જો ભાઈ તારે વળી એક બહેન, ચોરે પચાવે તુજ પાટી પેન
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી

મારે ય તારે કદી ના વિરોધ, રેખા વહે  છે તુજ  હેતધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરકે હું ખાઉં

ડોસો થશે જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો  મુજ મુક્કી હારું
આથી જરા યે કહું ના વધારે, કહેતા રખે તું મુજને વિસારે

જોજે કહ્યું તે સહુ સાચું થાય,  ઈલા પછી તો નહિ હર્ષ માય
પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે

            -ચંદ્રવદન ચીમનલાલ મહેતા

Monday, January 31, 2011

ઉઘાડી રાખજો બારી.. -પ્રભાશંકર પટ્ટણી

દુખી  કે દર્દી  કે  કોઈ,  ભૂલેલા   માર્ગવાળાને
વિસામો આપવા ઘરની,  ઉઘાડી  રાખજો બારી


ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુખને દળવા
તમારા  કર્ણ  નેત્રોની,   ઉઘાડી  રાખજો  બારી


પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા
તમારા   શુદ્ધ  હ્રદયોની,  ઉઘાડી  રાખજો  બારી


થયેલા   દુષ્ટ   કર્મોના,  છૂટા   જંજીરથી  થાવા
જરા  સત્કર્મની  નાની,   ઉઘાડી  રાખજો  બારી


 -પ્રભાશંકર પટ્ટણી

વિનાશકાળે વિપરીત બુદ્ધિ...-બુલાખીરામ

સીતા સમાણી સતી કોણ શાણી
પતિ-પ્રતિજ્ઞાય   સદા  પ્રમાણી
કુરંગ  હણવા મતિ  ભ્રષ્ટ  કીધી
વિનાશકાળે    વિપરીત    બુદ્ધિ

કેવા  હતા   કૌરવ  કાળજ્ઞાની
કુસંપમાં  પાછી  કરી ન પાની
કપાઈ  મૂઆ દ્વેષ સહિત ક્રોધી
વિનાશકાળે   વિપરીત   બુદ્ધિ

નિપુણતા  ન્યાય  વિષે  ધરાવી
નળે  સુકીર્તિ  જગતમાં  જમાવી
ગુમાવી  ગાદી   દ્યૂતને  વળુંધી
વિનાશકાળે    વિપરીત    બુદ્ધિ

યદુપુરી  યાદવ  યાદ  આણો
સુરા વિષે જીવ ભલો  ભરાણો
મૂઆ  મૂકી  સર્વ  શરીર  શુદ્ધિ
વિનાશકાળે   વિપરીત   બુદ્ધિ

રૂડો  હતો  રાવણ  શાસ્ત્રવેત્તા
નવે   ગ્રહો   નિકટમાં  રહેતા
હરી  સીતા  કષ્ટ લહ્યું  કુબુદ્ધિ
વિનાશકાળે   વિપરીત  બુદ્ધિ


-બુલાખીરામ

પ્રાણિયા ભજી લેને કિરતાર..- ભોજો ભગત

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


- ભોજો ભગત

તરણા ઓથે ડુંગર...- ધીરો ભગત

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી


સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ ,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી
તરણા ઓથે ડુંગર રે….


કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુધ્ધિ થાકી રહે તહીં
તરણા ઓથે ડુંગર રે….


મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ,
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહીં કો ઠાલો રે, એક અણુમાત્ર કહીં
તરણા ઓથે ડુંગર રે….


સદ્ ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે? પોતે પોતાની પાસ;
દાસ ‘ધીરો’ કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હિ તું હિ
તરણા ઓથે ડુંગર રે….


- ધીરો ભગત

હરિનો મારગ છે શૂરાનો...- પ્રીતમદાસ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને


સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને


મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને


પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને


માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને


રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને


- પ્રીતમદાસ

આ નભ ઝૂક્યું તે કાનજી...- પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી
ને  ચાંદની  તે  રાધા રે


આ સરવર જલ તે કાનજી
ને  પોયણી  તે   રાધા રે


આ બાગ ખીલ્યો તે કાનજી
ને  લ્હેરી જતી  તે રાધા રે


આ પરવત-શિખર કાનજી
ને  કેડી ચડે  તે  રાધા રે


આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને  પગલી પડે  તે રાધા રે


આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે


આ દીપ જલે તે કાનજી
ને આરતી  તે  રાધા રે


આ  લોચન મારા કાનજી
ને નજરું જુએ તે રાધા રે


- પ્રિયકાંત મણિયાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં  ગુર્જરીની મહોલાત


ઉત્તર  દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ  જ્યાં ગુર્જરના વાસ
સૂર્ય  તણાં  કિરણો દોડે ત્યાં  સૂર્ય તણો જ પ્રકાશ
જેની ઉષા હસે હેલાતી  તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


ગુર્જર  વાણી  ગુર્જર  લહાણી    ગુર્જર  શાણી  રીત
જંગલમાં  પણ  મંગલ  કરતી  ગુર્જર  ઉદ્યમ  પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


કૃષ્ણ  દયાનંદ દાદા  કેરી  પુણ્ય  વિરલ  રસ  ભોમ
ખંડ  ખંડ  જઈ  ઝૂઝે   ગર્વે   કોણ  જાત  ને   કોમ
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


અણકીધાં  કરવાના  કોડે   અધૂરાં   પૂરાં  થાય
સ્નેહ  શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય

જય જય જન્મ સફળ ગુજરાતી
જય જય ધન્ય અદલ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત


- અરદેશર ફરામજી ખબરદાર

એક જ દે ચિનગારી ...- હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી


ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...


ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...


ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...


- હરિહર ભટ્ટ

ગુજારે જે શિરે તારે..- બાલાશંકર કંથારિયા

ગુજારે જે  શિરે  તારે  જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે  અંતરે આનંદ   ના ઓછો થવા  દેજે


કચેરી માંહી  કાજીનો  નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની  જરાયે  સંગતે  રહેજે


રહેજે શાંતિ સંતોષે સદાયે  નિર્મળે  ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં  તેને તજી  દેજે
ઘડી જાયે ભલાઈની મહાલ્રક્ષ્મી ગણી લેજે


રહે ઉન્મત્ત સ્વાનંદે  ખરું એ સુખ  માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે

કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ મૂર્ખતા કાજે   મુખે ના ઝેર તું લેજે
  
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે

અહો શું પ્રેમમાં રાચે નહિ ત્યાં સત્ય તું પામે
અરે  તું  બેવફાઈથી  ચડે  નિંદા તણે  નેજે


લહે છે  સત્ય જે સંસાર  તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ  કોઈ પળે જાજે


રહી  નિર્મોહી  શાંતિથી  રહે  એ સુખ  મોટું  છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે


કવિરાજા  થયો શી છે   પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં 'બાલ' મસ્તીમાં મઝા લેજે



- બાલાશંકર કંથારિયા

Friday, January 14, 2011

વાત કપાયેલા પતંગની...-સાક્ષર ઠક્કર


આવો લોકો તમને સંભળાવુ વાત કપાયેલા પતંગની,
જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.

ખંભાતમાં મારી બનાવટ થઇ ને લઇ જવાયો હું અમદાવાદ,
ભીનો થઇ ગયો પહેલા જ દિવસે જ્યારે પડ્યો નાગો વરસાદ.

માલિકે મને તડકે સુકવ્યો, ને સાથે ચાલુ કર્યો ફેન,
સુકાયો પછી મને વેચવા પાડી બુમો, “લઇ લેજો ભાઇ, લઇ લેજો બેન

લઘર વઘર નામે એક ભાઇ ની મારી પર નજર દોડી,
મારા જેવા જ ભાઇઓ સાથે લઇ લીધી ૪ કોડી.

૧૪ જાન્યુઆરી રાતે મારા લગન થયાને બાંધી મને એક કન્યા,
સાંકળ ૮ નુ પાયરેટેડ વર્સન હતુ એ નામ હતું અનન્યા”.

૧૫ જાન્યુઆરીનુ સવાર હતું ને હતી ઘણી તેજ હવા,
લઘરવઘરના એક જ ઠુમકે મંડ્યો હું તો ચગવા.

હજુ તો હવાની મજા લેતો તો ને બીજી પતંગ નજીક આવી,
લઘરવઘરનાં ઘણા પ્રયત્ન છતાં મારી દોરી રંગ ના લાવી.

આ ન્યાય મને ન રુચ્યો, ને કેવો છે આ વ્યંગ.
દોરીના વાંકે હું કહેવાઉ છુ 'કપાયેલો પતંગ'

તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
પતંગ કોઇદી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.
-સાક્ષર ઠક્કર

Wednesday, January 5, 2011

લાલાશ મારી યાદની...મનોજ ખંડેરિયા


લાલાશ મારી યાદની, હવામાં ભરી જઈશ
ગુલમહોર મારી લાગણીનો, તુજ મનમાં પાથરી જઈશ

તારી, ઉડતા ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને, હું ખરી જઈશ

પછી આખુંયે મન-વન મહેકતું રહેશે સદા
અંતરના થડમાં નામ સુગંધી કોતરી જઈશ

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઈશ

ટહુકશે અભાવ મારો મોરની જેમ
ઘેરાશે વાદળ ને જોજે, હું સાંભરી જઈશ

લાલાશ મારી યાદની, હવામાં ભરી જઈશ....
~~~