Showing posts with label હરીન્દ્ર દવે. Show all posts
Showing posts with label હરીન્દ્ર દવે. Show all posts

Tuesday, February 1, 2011

માધવ ક્યાંય નથી મધુવનમાં…- હરીન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કાલિન્દીના  જલ  પર  ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી

લહર વમળને કહે
વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી

નંદ કહે જશુમતીને
માતા વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

શિર પર ગોરસ મટુકી
મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી

કાજળ કહે આંખોને
આંખો વાત વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

- હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને…-હરીન્દ્ર દવે

પાન  લીલું   જોયું   ને  તમે  યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક  તરણું   કોળ્યું  ને   તમે યાદ આવ્યાં

ક્યાંક  પંખી  ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક   તારો  ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે  કાંઠા તોડે  છે કોઈ મહેરામણ રામ
સહેજ ચાંદની ઝલકી ને તમે યાદ આવ્યાં

કોઈ  ઠાલું  મલક્યું  ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં  બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે  વળગ્યું  ને તમે યાદ આવ્યાં

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં

-હરીન્દ્ર દવે