Showing posts with label કલાપી. Show all posts
Showing posts with label કલાપી. Show all posts

Tuesday, February 1, 2011

નિર્દોષ પંખીને… કલાપી

(મંદાક્રાંતા)

તે  પંખીની  ઉપર   પથરો  ફેકતાં  ફેકી દીધો
છૂટયો તે, ને અરરર પડી ફાળ હૈયા મહીં તો
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં
નીચે આવ્યું  તરુ  ઉપરથી પાંખ ઢીલી થતાંમાં

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊડી શક્યું ના
ક્યાંથી ઊઠે ? જખમ  દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે ? હ્રદય કુમળું  છેક તેનું  અહોહો

આહા! કિન્તુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ
મૃત્યુ થાશે, જીવ ઊગરશે, કોણ જાણી શકે એ
જીવ્યું,આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને
  વાડીનાં  મધુર  ફળને  ચાખવાને   ફરીને

રે રે! કિન્તુ ફરી કદી  હવે પાસ મારી ન આવે
આવે તોયે  ડરી ડરી  અને  ઈચ્છતું  ઊડવાને
રે રે! શ્રદ્ધા ગત થઈ  પછી કોઈ કાળે ન આવે
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે

કલાપી

રે પંખીડા…-કલાપી

(મંદાક્રાંતા)
રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો' દી' તમ શરીરને  કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ  કૈં  ફેંકવા  માળીને  મેં
ખુલ્લું  મારું  ઉપવન  સદા  પંખીડાં સર્વને  છે

રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે  ક્રૂર કો' હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી

-કલાપી

Monday, January 31, 2011

રહેવા દે આ સંહાર…-કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !

-કલાપી

Friday, January 28, 2011

ગ્રામ્ય માતા..કલાપી

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે   છે  સુરખીભરી  રવિ  મૃદુ  હેમન્તનો   પૂર્વમાં
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી
ઠંડો  હિમભર્યો  વહે  અનિલ  શો,  ઉત્સાહને  પ્રેરતો
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં



(માલિની)
મધુર  સમય  તેવે  ખેતરે  શેલડીના
રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે
કમલવત ગણીને બાલના ગાલ રાતા
રવિ નિજ કર તેની  ઉપરે  ફેરવે  છે



(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી
અહો  કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે

(વસંતતિલકા)
ત્યાં  ધૂળ દૂર  નજરે  ઊડતી  પડે  છે
ને  અશ્વ  ઉપર  ચડી  નર  કોઈ આવે
ટોળે  વળી  મુખ  વિકાસી ઊભા રહીને
તે  અશ્વને  કુતૂહલે  સહુ  બાલ  જોતાં



(મંદાક્રાન્તા)
ધીમે  ઊઠી  શિથિલ કરને નેત્રની પાસ રાખી
વૃદ્ધા  માતા નયન નબળાં  ફેરવીને  જૂએ છે
ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને
જોતાં ગાતો સગડી  પરનો  દેવતા  ફેરવે  છે



(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ  અશ્વ સાથે  યુવાન  ત્યાં
કૃષિક, એ ઊઠી ત્યારે 'આવો બાપુ !' કહી ઊભો



(શાર્દૂલવિક્રીડિત)
'લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને' બોલીને
અશ્વેથી  ઊતરી  યુવાન  ઊભીને  ચારે  દિશાએ જૂએ
'મીઠો છે રસ ભાઈ ! શેલડી તણો' એવું દયાથી કહી
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે  ઊભી શેલડી



(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા
છૂરી  વતી  જરીક  કાતળી  એક  કાપી
ત્યાં સેર છૂટી  રસની  ભરી  પાત્ર  દેવા
ને કૈંક વિચાર કરતો  નર  તે  ગયો  પી



(અનુષ્ટુપ)
'બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા'
કહીને  પાત્ર  યુવાને  માતાના  કરમાં  ધર્યું



(મંદાક્રાન્તા)
કાપી  કાપી  ફરી  ફરી  અરે !  કાતળી  શેલડીની
એકે  બિન્દુ  પણ  રસતણું  કેમ  હાવાં  પડે  ના ?
'શું કોપ્યો છે પ્રભુ મુજ પરે !' આંખમાં આંશુ લાવી
બોલી  માતા  વળી  ફરી  છૂરી   ભોંકતી  શેલડીમાં



(અનુષ્ટુપ)
'રસહીન ધરા થઈ  છે, દયાહીન થયો  નૃપ
નહિ તો ના બને આવું' બોલી માતા ફરી રડી



(વસંતતિલકા)
એવું  યુવાન  સુણતાં  ચમકી  ગયો  ને
માતાતણે  પગ  પડી  ઊઠીને  કહે  છે:
'એ હું જ છું નૃપ, મને કર માફ! બાઈ!
એ હું જ છું નૃપ,મને કર માફ!ઈશ !'



(શાર્દૂલવિક્રીડિત)
પીતો'તો રસ મિષ્ટ હું પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું  હતું
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે  અહીં
છે  તો  યે મુજ ભાગ  કૈં નહીંસમો, તે હું વધારું  હવે
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની,પાસેથી લેવું નહીં ?



(ઉપજાતિ)
રસ   હવે  દે  ભરી  પાત્ર  બાઈ! પ્રભુ  કૃપાએ  નકી  એ ભરાશે
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !



(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા
છૂરી વતી  જરી જ  કાતળી એક કાપી
ત્યાં સેર  છૂટી રસની  ભરી પાત્ર દેવા
બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું !


-કલાપી