Showing posts with label નર્મદ. Show all posts
Showing posts with label નર્મદ. Show all posts

Tuesday, February 1, 2011

નવ કરશો કોઈ શોક…-નર્મદ

નવ કરશો કોઈ શોક રસિકડાં
નવ    કરશો    કોઈ    શોક

યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી

મર્મ ન સમજે બકે શંખ શઠ વાંકું ભણે બહુ પણથી
એક પીડમાં બીજી ચ્હીડથી જળશે જીવ અગનથી

હતો  દુખિયો  થયો  સુખિયો  સમજો છૂટ્યો રણથી
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી

હરિકૃપાથી મમ લેખ ચિત્રથી  જીવતો છઉં હું દમથી
વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી

જુદાઈ દુખ તે જ નથીજ જવાનું જાયે માત્ર મરણથી
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુખ વધે જ રુદનથી

જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી
મને  વિસારી રામ સમરજો  સુખી થશો તે લતથી

-નર્મદ

Monday, January 31, 2011

જય જય ગરવી ગુજરાત.. નર્મદ

જય જય ગરવી ગુજરાત!
દીપો   અરુણું    પરભાત,

ધ્વજ  પ્રકાશશે  ઝળળળ  કસુંબી, પ્રેમ  શૌર્ય  અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી  તુજ  સુંદર  જાત,
જય જય ગરવી ગુજરાત.


ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.


નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સૌ જાત,
જય જય ગરવી ગુજરાત.


તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.


- નર્મદ