Showing posts with label રમેશ પારેખ. Show all posts
Showing posts with label રમેશ પારેખ. Show all posts

Tuesday, February 1, 2011

મનપાંચમના મેળામાં….-રમેશ પારેખ

                આ મનપાંચમના મેળામાં 
                સૌ જાત લઈને આવ્યા છે
                કોઈ આવ્યા છે સપનું લઈને
                કોઈ રાત લઈને આવ્યા છે

                કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા
                કોઈ દોરાનું તૂટવું લાવ્યા
                કોઈ અંગત ફાડી ખાનારું 
                એકાંત લઈને આવ્યા છે

                કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ
                કોઈ ઉભડક ઉભડક લાગણીઓ
                કોઈ ફાળ તો
                કોઈ તંબુની નિરાંત
                લઈને આવ્યા છે

                કોઈ ધસમસતા ખાલી ચહેરે
                કોઈ ભરચક શ્વાસે ઊમટતા
                કોઈ અધકચરા
                કોઈ અણોસરા
                જજબાત લઈને આવ્યા છે

                આ પથ્થર વચ્ચે
                તરણાંનું હિજરાવું લાવ્યો
                તું ય રમેશ
                સૌના ખભે સૌ અણિયાળી
                કોઈ વાત લઈને આવ્યા છે
            -રમેશ પારેખ

Monday, January 31, 2011

વરસાદ ભીંજવે..-રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન  વરસાદ ભીંજવે


ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું  ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું  રે વરસાદ ભીંજવે


નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા   ઉભા  ફાટ્યા    રે વરસાદ ભીંજવે


ઘરમાંથી  તોતિંગ  ઓરડા  ફાળ મારતા  છૂટ્યા  રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે


પગના અંતરિયાળપણાને  ફળિયામાં ધક્કેલો  રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે


બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર  નાગ  જીવને  અનરાધારે  કરડે રે વરસાદ ભીંજવે


અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને  ભીંજવે તું  તને વરસાદ ભીંજવે


થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને કોનાં  ભાનસાન,  વરસાદ ભીંજવે


-રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી...રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી  લીલોતરીમાં  ખૂલ્લાં  ખેતર  તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર ટેરવાં ભરી પીધાનું યાદ


ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું  દોડી  જતું, પાંદડાં  ખરતાં
સમળીના  પડછાયા છૂટી  ફાળ  ઘાસમાં  ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે જિયલ ઝૂલા ઝૂલ્યાનું યાદ


ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ  વીંઝતું  પાંખ  વીંઝતું  હવા જેવડું થાય
સવારપંખીનો  પડછાયો  ઠીબ  વિશે  તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ


ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
- રમેશ પારેખ