Tuesday, February 1, 2011

ઘણ રે બોલે ને….-ઝવેરચંદ મેઘાણી

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
 બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
 જી  સાંભળે  વેદનાની  વાત,
વેણે રે વેણે હો  સત-ફૂલડાં ઝરે હો જી

બહુ દિન ઘડી રે તલવાર,
ઘડી કાંઈ તોપું ને મનવાર
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ  ખૂબ ખેલાણા સંહાર
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી

પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો જી
પોકારે  પાણીડાં   પારાવારનાં  હો જી

જળ-થળ  પોકારે  થરથરી, 
કબરુંની  જગ્યા  રહી નવ જરી
ભીંસોભીંસ ખાંભીયું ખૂબ ભરી,
હાય તોય તોપું રહી નવ ચરી
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી


ભઠ્ઠીયું જલે રે  બળતા પો'રની હો જી
ધમણ્યું ધમે રે ધખતા પો'રની હો જી

ખન ખન અંગારે ઓરાણા,
કસબી ને કારીગર ભરખાણા
ક્રોડ નર જીવંતા બફાણા,
તોય પૂરા ટોટા  નવ શેકાણા
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી

હથોડા પડે રે આજ જેના હાથના હો જી
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો જી

સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘટડામાં ઘડે એક મનસૂબો
બાળ મારાં માગે અન્ન કેરી દેગ,
દેવે કોણ-દાતરડું કે તેગ
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી

આજુથી નવેલાં ઘડતર માંડવા હો જી
ખડ્ગખાંડાંને કણકણ ખાંડવા હો જી

ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ,
ઝીણી રૂડી દાતરડીનાં રાજ
આજ ખંડે ખંડમાં મંડાય,
એણી પેરે આપણ તેડાં થાય
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો જી
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો જી

ભાઈ મારા, ગાળીને તોપગોળા,
ઘડો સઈ-મોચીના સંચ બહોળા
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ-તંબૂરાના તારો
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી

ભાંગો, હો ભાંગો,
 હો રથ રણજોધના હો જી
પાવળડાં ઘડો,  
હો છોરુડાંનાં દૂધનાં હો જી

ભાઈ મારા લુવારી ભડ રહેજે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે
ઘાયે ઘાયે સંભારજે ઘટડામાં,
ક્રોડ  ક્રોડ  શોષિતો   દુનિયાનાં
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી,
બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી

-ઝવેરચંદ મેઘાણી

ખારાં મહાસાગર…-ત્રિ.ગૌ.વ્યાસ

ખારાં-ખારાં ઊસ જેવાં, આછાં-આછાં તેલ
પોણી દુનિયા ઉપર  એવાં પાણી રેલમછેલ

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભરભર્યા

આભના સીમાડા પરથી
મોટા-મોટા તરંગ  ઊઠી
વાયુ વેગે આગળ ધાય
ને અથડાતા-પછડાતા પાછા જાય

ઘોર     કરીને    ઘૂઘવે
ગરજે  સાગર  ઘેરે  રવે
કિનારાના  ખડકો   સાથે
ધિંગામસ્તી  કરતો-કરતો
ફીણથી    ફૂંફાડા   કરતો
ઓરો આવે,  આઘો  જાય
ને ભરતી-ઓટ કરતો જાય

ઊંડો-ઊંડો  ગજબ ઊંડો
માણસ ડૂબે, ઘોડા ડૂબે
ઊંચાં  ઊંચાં ઊંટ ડૂબે
હાથી જેવાં તૂત  ડૂબે
કિલ્લાની કિનાર ડૂબે
તાડ જેવાં ઝાડ ડૂબે
મોટા-મોટા પહાડ ડૂબે
ગાંડો થઈને  રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ
વિશાળ, લાંબો, પહોળો, ઊંડો
એવો મોટો ગંજાવર
એના જેવું કોઈયે ન મળે
મહાસાગર તો મહાસાગર

-ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

ભવિષ્યવેત્તા…-ચં. ચી. મહેતા

 (ઈન્દ્રવજ્રા)

કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વહેલા સહુ પાઠ બાકી
તારી હથેળી અહીં લાવ સાચું, હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચું

કેવી  પડી છે  તુજ હસ્તરેખા, જાણે શું લાખે નવ હોય લેખાં
પૈસા પૂછે છે? ધનની ન ખામી, જાણે અહોહો તું કુબેરસ્વામી

છે ચક્રચિન્હો   તુજ  અંગુલિમાં,  જાણે   પુરાયા  ફૂટતી  કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિન્હ ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં

વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને  કીર્તિ એવી કુળહીરલાને
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ તણી તું ટાળ
 
ને હોય ના વાહનખોટ ડેલે, બંધાય ઘોડા વળી  ત્યાં તબેલે
ડોલે સદા યે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં વધુ કાંઈ આથી

જો ભાઈ તારે વળી એક બહેન, ચોરે પચાવે તુજ પાટી પેન
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી

મારે ય તારે કદી ના વિરોધ, રેખા વહે  છે તુજ  હેતધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરકે હું ખાઉં

ડોસો થશે જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો  મુજ મુક્કી હારું
આથી જરા યે કહું ના વધારે, કહેતા રખે તું મુજને વિસારે

જોજે કહ્યું તે સહુ સાચું થાય,  ઈલા પછી તો નહિ હર્ષ માય
પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે

            -ચંદ્રવદન ચીમનલાલ મહેતા

અંધેરી નગરી ને ગંડુ રાજા…-દલપતરામ

                પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
                ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
                બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
                કદી સારી બૂરી ન વેચે વિવેકે.

                ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
                ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
                લીધી સુખડી હાટથી આપી આટો,
                ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.

                ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
                સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
                હશે ચોરને શાહનો ન્યાય એકે,
                નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

                ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
                ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.
                કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
                તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.

                ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
                નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.
                ન માની કશી વાત તે શિષ્ય જયારે,
                ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

                રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
                બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
                પછીથી થયા તેહના હાલ કેવા,
                કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

                તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
                તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
                માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
                શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

                એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
                રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.
                વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
                ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.

                કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
                ચૂક એ ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
                ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
                એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ

                પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
                આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.
                મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
                પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.

                મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
                શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
                ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
                એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

                ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
                શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.
                જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
                બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

                શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
                ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
                જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
                આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.

                ચેલો બોલ્યો, “હું ચઢુંને ગુરુ કહે, “હું આપ;”
                અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.
                ગુરુએ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
                રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

            -દલપતરામ

છેલ્લો કટોરો…- ઝવેરચંદ મેઘાણી

 (ગોળમેજી પરિષદમાં જતી વખતે)

છેલ્લો કટોરો  ઝેરનો    પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

અણખૂટ   વિશ્વાસે  વહ્યું   જીવન તમારું
ધૂર્તો   દગલબાજો  થકી   પડિયું પનારું
શત્રુ  તણે  ખોળે  ઢળી    સુખથી સુનારું
આ આખરી  ઓશિકડે  શિર સોંપવું બાપુ
કાપે ગર્દન  ભલે રિપુ  મન માપવું બાપુ

છેલ્લો કટોરો  ઝેરનો    પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

સુર અસુરના આ નવયુગી ઉદધિ  વલોણે
શી  છે  ગતાગમ  રત્નના   કામી  જનોને
તું  વિના  શંભુ    કોણ   પીશે  ઝેર   દોણે
હૈયા  લગી  ગળવા  ઝટ  જાઓ  રે  બાપુ
ઓ સૌમ્ય-રૌદ્ર કરાલ-કોમલ જાઓ રે બાપુ

છેલ્લો કટોરો  ઝેરનો    પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

જગ મારશે મેંણા  ન આવ્યો  આત્મજ્ઞાની
ના'વ્યો  ગુમાની  પોલ  પોતાની પિછાની
જગપ્રેમી  જોયો દાઝ  દુનિયાની ન જાણી
આજાર માનવજાત આકુળ થઈ રહી બાપુ
તારી તબીબી  કાજ એ  તલખી રહી બાપુ

છેલ્લો કટોરો  ઝેરનો    પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

જા  બાપ  માતેલ  આખલાને   નાથવાને
જા  વિશ્વહત્યા  ઉપરે   જળ      છાંટવાને
જા  સાત   સાગર  પાર  સેતુ   બાંધવાને
ઘનધોર વનની વાટને  અજવાળતો  બાપુ
વિકરાળ   કેસરિયાળને  પંપાળતો   બાપુ
ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ
છેલ્લો   કટોરો   ઝેરનો   પી  આવજે બાપુ

- ઝવેરચંદ મેઘાણી 

રે પંખીડા…-કલાપી

(મંદાક્રાંતા)
રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો' દી' તમ શરીરને  કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ  કૈં  ફેંકવા  માળીને  મેં
ખુલ્લું  મારું  ઉપવન  સદા  પંખીડાં સર્વને  છે

રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે  ક્રૂર કો' હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી

-કલાપી

હાલો ગલૂડાં રમાડવા…-ઝવેરચંદ મેઘાણી

                કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
                ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે 
                હાલો ગલૂડાં રમાડવા જી રે

                માડીને પેટ પડી ચસ ચસ ધાવે
                વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે

                માતાને માથડે ચડતાં ને ચાટતાં
                જોગણનાં જાણે લટૂરિયાં રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે
               
                રાતાં માતાં ને રોમે રોમે સુંવાળાં
                હોય મીઠાં ગાલ મસૂરિયાં રે                   
                હાલો ગલૂડાં રમાડવા જી રે
               
                બાને વા'લાં છે જેમ વીરો ને બેની
                કાળવીને વા'લાં કુરકરિયાં જી રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે

                મોટા થાશે ને મારી શેરી સાચવશે
                જાગશે રાતે બા'દુરિયાં રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે
               
                ટીપૂડો દીપૂડો ડુંગરડે ઘૂમશે
                ગોધેન ભેળા વોળાવિયા રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે

                મોતિયો ને માનિયો ઝોકે રોકાશે
                વાછરું ને પાડરું ભળાવિયાં રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે

                ડાઘિયો ડૂઘિયો ખેતરમાં જાશે
                વાંહે રે'શે બે રખોલિયાં રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે

                કાળિયો ને લાળિયો પાદર પસાયતા
                બાઉ બાઉ આલબેલ બોલિયા રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે

                ગોળ-ઘી-લોટના શીરા બનાવિયાં
                કાળવીનાં પેટડાં પૂરિયાં રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે
               
                પેટ ભરીને માડી બાળક ધવરાવે
                ધાવીને પોઢે ટીપૂડિયાં રે
                હાલો ગલૂડાં રમાડવા જી રે


-         ઝવેરચંદ મેઘાણી