Thursday, January 6, 2011

હરીભાઈ કોઠારીની ચિંતનકણિકાઓ (હાઇકુ સ્વરૂપે)


માનવ છત્રી
થતી કાગડો, છત્ર
પ્રભુનું સાચું

કોઈ જીતીને
હારે છે તો, કોઈની
જીત, હારમાં

હિસાબ કરો,
જેટલું મળ્યું હતું
એટલું જીવ્યા?

વાતવાતમાં
ફરે માનવી, પ્રભુ
બોલે તે કરે

છતમાં ભોગ
નો ભાવ, અછતમાં
સદા આનંદો

હું અને મારું
વિષે, માનવ ફસે
કાળ તો હસે

ગીતા કહેતી
યોગ સમાયો, કર્મ
કુશળતામાં

વિશ્વાસ હો તો
નરસિહ પ્રગટે
થાંભલામાં થી

અનુરાગમાં
ખટરાગ પેસે, તો
બસ આગ છે

કોઈનું સુખ
જોઈને, કોઈ બળે,
પાપમાં પડે

માનવ કેરી
શ્રદ્ધા તો, પથ્થરને
પીર બનાવે

ક્ષણ ક્ષણની
સમજાવે કિંમત,
તે જ શિક્ષણ

અમૃત પીએ
દેવ, મહાદેવ તો
ઝેર પચાવે

સંતના સંગે
કંઇક તો સમજો,
સૌને ગમશે


ભાવ શૂન્યતા
છાઈ બધે, ફરતા
માનવ યંત્રો

ધન્ય એ ઘડી,
માનવ યત્ને મળી,
પ્રભુ આંગળી

સ્વભાવ કેરું
ઓસડ, આ જગમાં
ક્યાંય મળે ના

 સનાતન છે
ભક્તિ, જ્ઞાન તો રોજ
બદલ્યા કરે

સુખ દુઃખ ના
આપે કોઈ, એ ફળ
તારા કર્મના

કસી જુએ સૌ
સોનાને, પિત્તળને
ના કોઈ ઘસે

પ્રભુ હાથથી
છૂટ્યો, તે જન ડૂબ્યો
નક્કી જાણજો

કુળ થકી શું?
કુંભ જન્મેલા મુનિ
સાગર પીએ

સાપ કરડે
એકવાર, દુર્જન
તો વારે વારે

શંકા ડાકણ
વસે જનમાનસ,
વિશ્વ જલાવે

મનમાં રામ,
ને મનમાં રાવણ,
રામને સીંચો

મન કારણ
બંધન તણું, મન
મોક્ષ અપાવે

વંટોળિયામાં
ઝાડ પડે, પહાડ
તો ના ડગતા

વરસાદમાં
પ્રભુ ઠાલવે, નિજ
વાત્સલ્ય જાણે

મન-હરણું
વન વન ભમતું
સૌરભ કાજે

જીવિકા આપે
કલા, વિદ્યા જીવન
શણગારતી

વાસના નડે,
આશ ના ફાળે, પ્રભુ
પ્રાર્થના કરો

પ્રારબ્ધ તો છે
રૂપરેખા, લેખ તો
લખવો પડે

આત્મ ઉદ્ધાર
આત્માથકી નીપજે,
તારો ગુરુ તું

છો અડે શિર
આભને, પગ ધારા
પર રાખવા

ઉડે ઘમંડે
તણખલું, મોતી તો
તળિયે વસે

ઝૂઠ, ના માને
સંતતિ-નીયમન
સર્જે અનેક

સત્ય પાળતું
બ્રહ્મચર્ય, સ્વયંમાં
પૂર્ણ સદાએ

માનવ યત્ન
કરે ત્યારે, ઉતરે
ઈશ્વરકૃપા

સુખદુઃખમાં
સમતા ધરવી, એ
સ્થિતપ્રજ્ઞતા

ખીલવે સંત,
માનવ જીવનમાં
સદા વસંત

કર્મ પોતાના
સદા નિજને નડે,
કોઈ શું કરે

શંકા મનમાં
હોય, તો જાણો લંકા
એ રાવણની

સુખ આરામ
આપે, તો જીવનને
દુઃખ કેળવે

જીવે જગમાં
કંઇક, જીવવાની
બસ ભ્રાંતિથી

ચક્ષુ તમને
ખાડો બતાવે, કર્મ
ઓળંગી શકે

મિત્ર કે શત્રુ
તું જ તારો સદાય,
જાતને ઓળખ

વસંત ઋતુ
ભેદ ખોલે, કાગડા
કોયલ તણો

પંકે પંકજ
નીપજે, વાસનાથી
કાં ન પ્રાર્થના?


લૈલા સુંદર
લાગે, મજનું તણી
તો હો નજર

No comments:

Post a Comment