Tuesday, January 4, 2011

ખાનપાન શીખવતી આરોગ્યવર્ધક કહેવતો

ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રીલોકમે  અવર ન ઔષધ હોય

રામનામ લાડવા, ગોપાળ નામ ઘી
કૃષ્ણ નામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી

ચણવાળાની દીકરી, ને મમરાવાળાની વહુ,
લડે લડે ચાલે, તેને ટપલા મારે સહુ

શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાસ;
તાવ સંદેશ મોકલે, આજ આવું કે કાલ

દાંતે લૂણ જે વાપરે, વેળાસર ઉનું ખાય
ડાબું પડખું દાબી સુએ, તે ઘર વૈધ ન જાય

ઓકી દાંતણ જે કરે, નરણે હરડે ખાય
દૂધે વાળું જે કરે, તે ઘર વૈધ ન જાય

ઘઉં કહે હું મોટો દાણો, મારે માથે લીટો
જો ખાવામાં સ્વાદ કરો, તો ઘી ગોળમાં ઘૂંટો

ઘઉં કહે હું લાંબો દાણો, વચમાં પડી લી
મારી મજા લેવી હોય તો, લાવો ગોળ ને ઘી

ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેવર થાય
જેવા ઘઉં કેળવે, તેવા ભોજન થાય
---------------------------------------------
બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન
ઘોડાને પાંખું આવિયું, બુદ્ધ થયા જવાન
કાળી છું, પણ કામણગારી, લેશોના મુજ બાદ
વાદ કાર્યમાં શું વળશે, પણ જોઈ લ્યો મુજ સ્વાદ
---------------------------------------------

મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ
મારો ખપ ત્યારે પડે, જયારે માણસ પડે માંદુ
---------------------------------------------

જુવાર કહે હું રાતીધોળી, કોઠીની હું રાણી,
ગરીબનું હું ખાણું છું, ને મારી થાય ધાણી

જુવાર કહે હું ગોળ દાણો, ને મારે માથે ટોપી
મારો ફાલ ખરો લેવાને, કાળી ભોયમાં રોપી
---------------------------------------------

ચોખો કહે હું ધોળો દાણો, મારે માથે અણી,
મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી.

સાઠી-ચોખા, ભેંસ-દૂધ,ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (ઘોડો), ઈ સરગ નિસરણી ચાર
---------------------------------------------

તુવેર કહીએ હું તાજો દાણો, રસોઈની હું રાણી
મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી.

તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખું રંગ,
જે ઘર તુવેર ન હોય, તેના જોઈલો તમે ઢંગ.
---------------------------------------------

ચણો કહે હું ખરબચડો, ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવો થાય

ચણો કહે હું ખરબચડો, ને મારા માથે અણી,
ભીની દલ ને ગોળ ખાય, તે બને મલ્લનો ધણી.
---------------------------------------------

અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો
માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો

અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો
શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો

અડદ કહે હું કઠોર દાણો,ચીકાશ મુજમાં ઝાઝો
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો
---------------------------------------------

મઠ કહે હું ઝીણો દાણો, મારે માથે નાકું
મારી પરખ ક્યારે પડે, કે ઘોડું આવે થાક્યું.

મઠને ખેતર માળો નહી, ઉંદરને ઉચાળો નહી,
ઘેલીને ગવાળો નહી, ને કુંભારને શાળો નહી.

મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો નાં રહે,
વાલ કહે ઢગ, સ્હેજે ઢાંક્યો નાં રહે.
---------------------------------------------

લોક કરે (ચોળાના) ઢોકળા, વૈધ વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે,પાટણનું મહાજન મનાવવા જાય

બાળ કહે: મેં ખાધા ચોળા,
મા કહે: મારા બગડ્યા ખોળા
---------------------------------------------

No comments:

Post a Comment