Sunday, January 16, 2011

રણની ધાક...


ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક...?
લીલેરા વન જાય ઓચિંતા સળગી
 અને રણની ફેલાઈ જાય ધાક


ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા..?
ખોબો એક છાંયડાને તરસો તમે, ને
તો ય ચપટી મળે ના જરાક
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક...
 


 હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં
મોસમની ઓળખાણ કેવી, વૈશાખના
વરસે જ્યાં ધોધમાર તાપ
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક...

No comments:

Post a Comment