Friday, January 28, 2011

પ્રાચીન સુભાષિતો

અક્કલ ઉધારે ના મળે
હેત હાટે ના વેચાય
રૂપ ઉછીનું ના મળે
પ્રીત પરાણે ના થાય

અડી કડી વાવ ને નવઘણ કૂવો
જેણે ન જોયા તે જીવતો મૂઓ

અબે તબે કે સોલ હી આને, અઠે કઠે કે આઠ
ઈકડે તીકડે કે  ચાર આને શું શા પૈસા ચાર

આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર
કોક લાખ દેતા ન મળે તો કોક ટકાના તેર

ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો

કચ્છડો ખેંલે ખલકમેં જીમ્ મહાસાગરમેં મચ્છ
જિત હિકડો કચ્છી વસે ઉત ડિયાંડીં કચ્છ

કડવા ભલે હો લીંબડા શીતળ તેની છાંય
બોલકણા હોય બાંધવા તોય પોતાની બાંય

કંથા તું કુંજર ચઢ્યો હેમ કટોરા હથ્થ
માંગ્યા મુક્તાફળ મળે પણ ભીખને માથે ભઠ્ઠ

કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુઃખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ

કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ

કુલદીપક થાવું કઠણ દેશદીપક દુર્લભ
જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય

કોયલડી ને કાગ ઈ વાને વરતાય નહિ
જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે

ઘેલી માથે બેડલું મરકટ કોટે હાર
જુગારી પાસે નાણું ટકે કેટલી વાર

જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર

જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય

જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ
ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ

જે જાય જાવે તે કદી પાછો આવે
જો પાછો આવે તો પોયરાનાં પોયરા ખાવે

જોઈ વહોરિયે જાત મરતાં લગ મેલે નહિ
પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી

દળ ફરે વાદળ ફરે, ફરે નદીનાં પૂર
પણ શૂરા બોલ્યા નવ ફરે પશ્વિમ ઊગે સૂર

દીઠે કરડે કુતરો પીઠે કરડે વાઘ
વિશ્વાસે કરડે વાણિયો દબાયો કરડે નાગ

નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહ
એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ

નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત

નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય
શત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય

બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ
આપદ્‌કાળે જાણીએ તલમાં કેટલું તેલ

મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ
એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે

માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર
છતઅછત સમજે નહિ કહે લાવ લાવ ને લાવ

મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે

મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો   હોય
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય

રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર

વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય
વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય

વિપત પડે નવ વલખિએ વલખે વિપત નવ જાય
વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને  ખાય

વિદ્યા વપરાતી ભલી વહેતાં ભલા નવાણ
અણછેડ્યાં મુરખ ભલા છેડ્યાં ભલા સુજાણ

શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ

શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક
સુખ દુઃખમાં સંગ રહે તે લાખોમાં એક

સાચી પ્રીત શેવાળની જળ સૂકે સૂકાય રે
માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય

હલકાં જન હલકાં રહે લીએ પલકમાં લાજ
ઊતરાવે છે પાઘડી માંકડ ભરી સભામાં જ

1 comment:

  1. બહુ જ સુંદર સુભાષિતો હજુ કર્યા છે ગુજરાતીમાં.
    હવે શું શા પૈસા ચાર માથી શું શા પૈસા એક બની ગયું છે
    ગુજરાતી તારા વળતા પાણી. 😢

    ReplyDelete